દશાબ્દી વ્યાખ્યાનમાળા 2 - ‘મહર્ષિ વાલ્મીકિ રચિત રામાયણમાં ભક્ત અને ભગવાન વચ્ચેનો સંબંધ’

BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના દશાબ્દી વર્ષ નિમિત્તે થનાર વિવિધ આયોજનોમાંનું એક વિશેષ આયોજન એટલે દશાબ્દી વ્યાખ્યાનમાળા. જે અંતર્ગત દ્વિતીય વ્યાખ્યાનમાળાનું આયોજન તારીખ 18 ઓગસ્ટ 2023ના રોજ થયું હતું. જેનો પ્રારંભ પરમાત્માના મંગલમય નામસ્મરણ સાથે થયો હતો. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે સારંગપુર સ્થિત સંત તાલીમ કેન્દ્રના અધ્યાપક સંત સાધુ શ્રીજીકીર્તનદાસ સ્વામી પધાર્યા હતા. તેઓએ વક્તવ્યમાં ભારતીય સંસ્કૃતિની જ્ઞાનપરંપરાનો મહિમા જણાવ્યો હતો અને કહ્યું હતું કે, “આ વ્યાખ્યાનમાળા દ્વારા શાસ્ત્રોના વિવિધ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત થશે.” તેઓનું વક્તવ્ય આજના વ્યાખ્યાનની પૂર્વભૂમિકારૂપ બની રહ્યું.

 ત્યારબાદ આ પ્રસંગના મુખ્ય ભાગરૂપ વ્યાખ્યાનનો આરંભ થયો. જેના વ્યાખ્યાતા શ્રી સોમનાથ સંસ્કૃત યુનવર્સિટીમાં પુરાણ-ધર્મશાસ્ત્ર વિભાગના વિભાગાધ્યક્ષ તેમજ સંસ્કૃત પુરાણ-ઇતિહાસ વિષયના મૂર્ધન્ય વિદ્વાન ડૉ. શ્રી પંકજકુમાર રાવલ હતા. તેઓના વ્યાખ્યાનનો મુખ્ય વિષય ‘મહર્ષિ વાલ્મીકિ રચિત રામાયણમાં ભક્ત-ભગવાન સંબંધ’ હતો. આ વિષયક પોતાની વિદ્વત્તાપૂર્ણ સરળ તથા સહજ શૈલીમાં અન્ય શાસ્ત્રોનાં સંદર્ભો અને રામાયણના આખ્યાનો તથા વિવિધ પાત્રોના આધારે ભક્ત-ભગવાન વચ્ચેના સંબંધને સમજાવ્યો હતો. આ વ્યાખ્યાનના શ્રોતા તરીકે BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા ઓનલાઇન માધ્યમથી પણ મોટી સંખ્યામાં અન્ય વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ અને જિજ્ઞાસુઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આમ, આ વ્યાખ્યાનના શ્રવણ દ્વારા શ્રોતાઓ રામાયણ ગ્રંથમાં નિરૂપાયેલાં સીતા, હનુમાનજી વગેરે વિવિધ પાત્રોના આધારે સમર્પણ, વિશ્વાસ જેવાં ભક્તનાં લક્ષણોને સમજ્યાં હતાં. આમ, પ્રતિમાસ યોજાનાર આ વ્યાખ્યાનમાળા જ્ઞાન તથા પ્રેરણાપ્રાપ્તિ માટે ઉપયોગી બની રહે તેવી અભ્યર્થના સાથે આ દ્વિતીય વ્યાખ્યાનની સમાપ્તિ થઈ.

Gallery

Menu