બી.એ.પી.એસ.સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના દશાબ્દી મહોત્સવ નિમિત્તે આયોજિત વિવિધ પ્રકલ્પો અંતર્ગત મે મહિનાની બીજીથી આઠમી તારિખ સુધી ‘સંખ્યાકારિકા’ ગ્રંથની સાંખ્યતત્ત્વકૌમુદી નામની ટીકા સંબંધી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાશીસ્થિત સંપૂર્ણાનંદ વિશ્વવિદ્યાલયના દર્શનવિભાગના અધ્યક્ષ અને કાશીવિદ્વત્પરિષદના ઉપાધ્યક્ષ પ્રોફેસર શ્રી રામકિશોર ત્રિપાઠીજી અધ્યાપક તરીકે પધાર્યા હતા.
સાંખ્યકારિકા કાર્યશાળા 2024
ઉદ્ઘાટન સત્ર :
તારીખ 2/5/2024 ના રોજ ઉદ્ઘાટન સત્રમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ રીસર્ચ ઇન્સ્ટીટયુટ, નવી દિલ્હીના અધ્યક્ષ મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ દીપ પ્રાગટ્ય કરીને તથા પ્રેરણા વચનો પાઠવીને કાર્યશાળાનો શુભારંભ કર્યો હતો.
કાર્યશાળા :
તા. 2 થી 8 મે, 2024 આમ એક સપ્તાહ દરમિયાન પ્રતિદિન 21 યુવકો અને 7 સંતો એમ કુલ 28 વિદ્યાર્થીઓએ સાંખ્યારિકા વિષયક અધ્યયન કર્યું હતું. તા. 4 મે, 2024ના રોજ શ્રીસોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી સુકાંતકુમાર સેનાપતિજી આ કાર્યશાળામાં ઉપસ્થિત રહ્યા હતા. અધ્યાપક શ્રી રામકિશોર ત્રિપાઠીજીએ ખૂબ જ સરળ, સ્પષ્ટ અને દૃષ્ટાંતસભર શૈલીથી અધ્યાપન કરાવ્યું હતું. પ્રત્યેક સત્રમાં પ્રશ્નો દ્વારા વિદ્યાર્થીઓએ અધ્યાપક શ્રી રામકિશોર ત્રિપાઠીજીનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
અંતિમ સત્ર :
તારીખ 8 મે, 2024 ના રોજ આયોજિત અંતિમ સત્રમાં મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી તેમજ ડો. આત્મતૃપ્તદાસ સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સત્રમાં પ્રો. શ્રી રામકિશોર ત્રિપાઠીને આભારપત્ર અર્પણ કરવામાં આવ્યું. ત્યારબાદ અધ્યાપક શ્રી રામકિશોર ત્રિપાઠીજીએ સ્વાનુભવ વ્યક્ત કર્યો અને સૌ વિદ્યાર્થીઓને માર્ગદર્શનથી લાભાન્વિત કર્યા. વિદ્યાર્થીઓએ પોતાની સ્વાનુભૂતિઓનું વર્ણન કર્યું અને ભણેલા વિષયની રજૂઆત પણ કરી હતી.
આમ, આ એક સાપ્તાહિક કાર્યશાળા ખૂબ જ સફળ રહી હતી. અને વિદ્યાર્થીઓના સાંખ્યદર્શનને સમજવા માટે ઉપયોગી સાબિત થઈ હતી.