સત્સંગદીક્ષા એક આધ્યાત્મિક સ્મૃતિ શાસ્ત્ર છે. પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ દ્વારા લિખિત આ શાસ્ત્ર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત આજ્ઞા અને ઉપાસનાના સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન કરે છે અને મુક્તિનો માર્ગ દર્શાવે છે. આ સત્સંગદીક્ષા શાસ્ત્ર ‘અક્ષરપુરુષોત્તમ સંહિતા’ નામના ગ્રંથના એક ભાગરૂપે સમાયેલ છે, જે આચારપદ્ધતિ, તત્ત્વજ્ઞાન અને સત્સંગના સિદ્ધાંતોના વિવિધ આયામોને વિશદતાથી શાસ્ત્રીય શૈલી દ્વારા નિરૂપણ કરે છે. આ શાસ્ત્રને મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ સંસ્કૃતમાં શ્લોકબદ્ધ કર્યું છે. આ અભ્યાસક્રમમાં સત્સંગદીક્ષા શાસ્ત્રનું માહાત્મ્ય અને તેમાં આવતા સિદ્ધાંતોનું અધ્યયન થશે. શ્લોકોની ઊંડાણપૂર્વક સમજૂતી પ્રાપ્ત થશે અને તેમાં રહેલાં રહસ્યોનું જ્ઞાન આપવામાં આવશે.
પ્રમુખસ્વામી મહારાજના જન્મશતાબ્દી પર્વના ભાગરૂપે ઉદ્ઘાટિત, આ સાંપ્રતકાલીન શાસ્ત્ર માનવ જીવનની દૈનિક સમસ્યાઓનું સમાધાન પ્રદાન કરે છે. સત્સંગદીક્ષા શાસ્ત્રના ૩૧૫ સંક્ષિપ્ત શ્લોકોમાં વૈદિક સનાતન ધર્મનો અર્ક, સકલ શાસ્ત્રોનો સાર અને ભક્તિની પરંપરાનો સમાવેશ છે. આ સર્વગ્રાહી શાસ્ત્ર સામાજિક સમરસતાનું પોષણ કરે છે. સત્સંગદીક્ષામાં દર્શાવેલ નૈતિક વર્તન, સામાજિક વ્યવહાર અને આધ્યાત્મિક જ્ઞાનના ઉપદેશોનું પાલન આજે વ્યાપક સાધકવર્ગ દ્વારા કરવામાં આવે છે.