૨૬ ડિસેમ્બર ૨૦૨૧ના દિવસે દિલ્હીમાં Indian Council of Philosophical Research (ICPR) (Ministry of Education, Government of India) દ્વારા મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીને દેશભરના મૂર્ધન્ય વિદ્વાનો તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘લાઇફ ટાઇમ અચિવમેન્ટ’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની વિશેષ વિગતો અત્રે પ્રસ્તુત છે.
ICPR ભારતીય શિક્ષામંત્રાલય દ્વારા પ્રવૃત્ત સંસ્થા છે. આ સંસ્થાએ તત્ત્વજ્ઞાનના ક્ષેત્રનું સર્વોચ્ચ સન્માન મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીને આપ્યું. મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞાથી ભગવાન શ્રીસ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત અક્ષરપુરુષોત્તમ દર્શનને અનુસરીને ઉપનિષદ્, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ્ ભગવદ્ગીતા પર રચેલાં ભાષ્યો તેમજ વાદગ્રંથ દ્વારા તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં અમૂલ્ય પ્રદાન કર્યું છે. તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં શતાબ્દીઓ પછી એવી ઘટના બની છે કે કોઈ એક જ ભાષ્યકાર દ્વારા સંપૂર્ણ પ્રસ્થાનત્રયી પર ભાષ્યો ઉપરાંત વાદગ્રંથનું પણ નિર્માણ થયું હોય. આ ઉપરાંત પ. પૂ. મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી દેશ-વિદેશનાં અનેક વિશ્વવિદ્યાલયો, શોધ-સંસ્થાનો તથા શૈક્ષણિક સંકુલોમાં જઈને વિદ્વાનો સાથે વૈદિક દર્શનો અંગે વિમર્શ કરી તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં નૂતન યોગદાન આપ્યું છે. આ બાબતોને ધ્યાનમાં લઈને ICPR દ્વારા ઉપરોક્ત સન્માનનો નિર્ણય લેવામાં આવ્યો.