BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયમાં ગત મે અને જૂન માસ દરમ્યાન સાહિત્ય, વ્યાકરણ, ન્યાય અને કર્મકાંડ એમ કુલ ચાર વિષયોની કાર્યશાલાનું આયોજન થયું હતું, જેમાં અધ્યયન કરાવવા માટે જે તે વિષયના નિષ્ણાત અને અનુભવી અધ્યાપકો સારંગપુર પધાર્યા હતા. આ ઉપક્રમે તારીખ 26 મે 2023 થી 30 મે 2023 સુધી સાહિત્ય વિષયની કાર્યશાલાનું આયોજન થયું હતું, જેમાં અધ્યાપક તરીકે સાહિત્ય વિષયના મૂર્ધન્ય વિદ્વાન તથા નડિયાદ સ્થિત બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્યશ્રી ડો.અમૃતલાલ ભોગાયતા પધાર્યા હતા. તેઓએ સાહિત્ય વિષયના પ્રસિદ્ધ ગ્રંથો કાવ્યપ્રકાશ અને રઘુવંશના અધ્યાપનની સાથે સ્વરચિત કાવ્યગ્રંથો જેવા કે કર્ણકર્ણામૃતમ્ તથા અન્યોક્તિકાવ્યશતકને ભણાવ્યા હતા. આ કાર્યશાલા દ્વારા વિદ્યાર્થીઓને સાહિત્ય વિષયમાં વિશેષ રુચિ અને ઊંડાણ પ્રાપ્ત થયું.
ત્યારબાદ તારીખ 13 જૂન, 2023 થી 24 જૂન, 2023 સુધી નવ્ય ન્યાય તથા નવ્ય વ્યાકરણ વિષયની કાર્યશાલા યોજાઈ, જેમાં બનારસ હિંદુ યુનિવર્સિટી(IIT)માં હિંદુ માનવતાવાદી અધ્યયન વિભાગના પ્રાધ્યાપક અને ન્યાયશાસ્ત્રના પારંપરિક વિદ્વાન શ્રી ડો. વિશ્વનાથ ધિતાલ પધાર્યા હતા. તેઓએ ન્યાયબોધિની, પંચલક્ષણી અને સામાન્યનિરુક્તિ જેવા પ્રસિદ્ધ ન્યાયશાસ્ત્રોનું પારંપરિક પદ્ધતિથી અધ્યયન કરાવ્યું હતું. વળી, આ જ સમયગાળા દરમ્યાન નવ્યવ્યાકરણ વિષયના વિદ્વાન આચાર્ય શ્રી ગોવિંદ પાંડે પધાર્યા હતા. તેઓએ વ્યાકરણશાસ્ત્રના સંધિ, સમાસ જેવા વિષયો તેમજ મહાભાષ્ય તથા લઘુશબ્દેન્દુશેખર જેવા ગ્રંથોનું અધ્યયન કરાવ્યું હતું. આ ન્યાય-વ્યાકરણ વિષયક કાર્યશાલાના અંતિમ દિવસે અધ્યયનની પ્રસ્તુતિ માટે બે વિશિષ્ટ સભાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અધ્યયનમાં જોડાયેલા સંતો અને મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ શાસ્ત્રાર્થ વગેરેની રજૂઆત કરી હતી. છાત્રોની આ પ્રસ્તુતિ નિહાળીને બંને અધ્યાપકો પ્રસન્ન અને સંતુષ્ટ થયા હતા.
આ સાથે તારીખ 21 જૂન, 2023 થી 23 જૂન, 2023 સુધી કર્મકાંડ વિષયની કાર્યશાલા યોજાઈ હતી, જેમાં અધ્યાપક તરીકે વેદપાઠી વિદ્વાન શ્રી જીજ્ઞેશભાઈ પધાર્યા હતા. તેઓએ કર્મકાંડની વિવિધ વિધિ તેમજ શુક્લયજુર્વેદીય સસ્વર મંત્રગાનનું શિક્ષણ આપ્યું હતું.
આ ચારેય વિષયની કાર્યશાલામાં જોડાયેલા વિદ્યાર્થીઓને જે તે વિષયનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થયું. વળી, તે અધ્યાપકો સાથેની ગોષ્ઠી દ્વારા સૌને તેઓ પાસેથી અધ્યયન સંબંધી વિશેષ પ્રેરણા પ્રાપ્ત થઈ. અધ્યાપન કરાવનાર અધ્યાપકોએ પણ વિદ્યાર્થીઓની શાસ્ત્ર પ્રત્યેની નિષ્ઠા, જ્ઞાનપિપાસા અને વિનમ્રતા નિહાળીને સંતોષ વ્યક્ત કર્યો હતો. આમ, BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા આયોજીત કાર્યશાલા જ્ઞાનપ્રાપ્તિનું પ્રેરણા પર્વ બની રહ્યું.