પંચદિવસીય બાળ-બાલિકા શિબિર તા.૧૬ થી ૨૦ મે ૨૦૨૩ દરમ્યાન સારંગપુરમાં આયોજીત થઈ હતી. આ શિબિર ‘સિદ્ધાંતસર્વસ્વમ્’ નામના આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમને એક વર્ષ પૂર્ણ થયો તે નિમિત્તે યોજાઈ હતી. આ ઓનલાઇન અભ્યાસક્રમ બી.એ.પી.એસ સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ન્યુ દિલ્હી દ્વારા ધોરણ ૩ થી ૯ માં અભ્યાસ કરતા બાળ-બાલિકાઓ માટે ચાલી રહ્યો છે.
આ અભ્યાસક્રમ અંતર્ગત આયોજીત શિબિરમાં સમગ્ર ભારત દેશના વિવિધ પ્રાંતોમાંથી ‘સ્વામિનારાયણ સિદ્ધાંત કારિકા’ (૫૬૫ શ્લોકો) અને ‘સત્સંગદીક્ષા’ (૩૧૫ શ્લોકો) ગ્રંથનો સંપૂર્ણ મુખપાઠ કરનારા ૪૩ બાળકો અને ૩૯ બાલિકાઓ જોડાયા હતા. જેમાં આ વર્ષે નૂતન પ્રવેશ મેળવનાર બાળ-બાલિકાઓ પણ જોડાયાં હતાં. ‘સિદ્ધાંતસર્વસ્વમ્’ અભ્યાસક્રમ દ્વારા બાળ-બાલિકાઓએ સંપૂર્ણ વર્ષ દરમ્યાન પ્રમુખસંસ્કૃતમ્ (પ્રાથમિક સંસ્કૃત ભાષા), સ્વામિનારાયણ તત્ત્વજ્ઞાન, ગુરુ પરંપરાના સંક્ષિપ્ત જીવનચરિત્રો તેમજ સાંપ્રદાયિક સાહિત્યનું જ્ઞાન મેળવ્યું. આ શિબિરમાં આયોજીત વિવિધ કાર્યક્રમો દ્વારા પ્રવચન, પ્રસંગકથન, સંસ્કૃત સંભાષણ વગેરેનું વિશિષ્ટ પ્રશિક્ષણ પામ્યા હતા. ઉનાળાના વેકેશનમાં આયોજીત આ શિબિરમાં રમતોત્સવ, મેજીક શૉ વગેરે વિશિષ્ટ સભાકાર્યક્રમો પણ યોજાયા હતા. સંસ્થાના વિદ્વાન અને વરિષ્ઠ સંતોનું પ્રત્યક્ષ માર્ગદર્શન અને પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજનો વિશિષ્ટ લાભ પણ આ શિબિરમાં બાળ-બાલિકાઓને પ્રાપ્ત થયો હતો.
પૂજ્ય વિવેકસાગર સ્વામી, પૂજ્ય ભદ્રેશ સ્વામી, પૂજ્ય આદર્શજીવન સ્વામી, પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી, પૂજ્ય મધુરવદન સ્વામી વગેરે વિદ્વાન સંતો સાથેની રસપ્રદ અને પ્રેરણાસભર ગોષ્ઠિઓ દ્વારા બાળકોને સંસ્કૃત, સિદ્ધાંત અને સત્સંગનું દુર્લભ માર્ગદર્શન પ્રત્યક્ષપણે પ્રાપ્ત થયું. આ સાથે જીવનમાં આવતા અનેક પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન પણ તેમણે મેળવ્યું હતું. સદ્ગુરુવર્ય પૂજ્ય વિવેકસાગર સ્વામી સાથેની પ્રશ્નોત્તરી દરમ્યાન બાળ-બાલિકાઓ અનેક પ્રકારના પાઠો શીખ્યા. જેમ કે, સંસ્કૃત અભ્યાસમાં આનંદ અને એકાગ્રતા પામવી. સિદ્ધાંતજ્ઞાનમાં વિદ્વત્તાની સાથે વિનમ્રતા કેળવવી. સત્સંગમાં સેવા સાથે સંપ-સરળતાની દૃઢતા કરવી.
તા.૧૭/૫/૨૦૨૩ની સાંજે લંડનમાં વિરાજમાન પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજનો વિશિષ્ટ સ્મૃતિદાયક લાભ પણ આ શિબિરાર્થીઓને ઓનલાઈન પ્રાપ્ત થયો. જેમાં નાના બાળકોએ મહાન ગુરુહરિ સાથે ખૂબ સહજ પ્રશ્નોત્તરી કરીને તેમના વિશિષ્ટ દર્શન અને આશીર્વાદ મેળવ્યા. આમ આ શિબિર દરમ્યાન બાળ-બાલિકાઓ સંતોના માર્ગદર્શન પ્રમાણે BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય (સારંગપુર)ના વિદ્વાન શિક્ષકો દ્વારા આયોજીત વિવિધ વર્ગો અને રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા ગમ્મત સાથે ગહન જ્ઞાન પામ્યા, સંસ્થાના વિદ્વાન-વરિષ્ઠ સંતો દ્વારા સંસ્કૃત, સિદ્ધાંત અને સત્સંગલક્ષી અમૂલ્ય માર્ગદર્શન પામ્યા. સત્પુરુષના દુર્લભ સ્મૃતિ-આશીર્વાદ પામ્યા. આ ૫ દિવસના રોકાણ દરમ્યાન શિબિરાર્થીઓ સાથે પધારેલા વાલીઓ પણ અમૂલ્ય સ્મૃતિઓ પામ્યા અને સારંગપુર તીર્થ સ્થાનના દર્શનથી અભિભૂત થયા હતા.