BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય, સારંગપુરમાં તારીખ 24 મે થી 4 જૂન, 2024 સુધી દસ દિવસીય ‘Towards Effective Teaching’ અધ્યાપન તાલીમની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ મહાવિદ્યાલયમાં થતા અધ્યાપનકાર્યને વધુ ગુણવત્તા અને અસરકારક બનાવવાનો હતો. આ કાર્યશાળામાં તાલીમ આપવા માટે અધ્યાપક તરીકે શ્રી ભરતભાઈ માવદિયા પધાર્યા હતા. જેઓ રાંદેસણ સ્થિત BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિરના આસિસ્ટન્ટ ડિરેક્ટર છે. તેઓએ દસ દિવસ સુધી પ્રતિદિન 2 થી 3 કલાક સુધી વિવિધ માધ્યમો દ્વારા અસરકારક અધ્યાપનના વિવિધ વિષયો જેવા કે ક્લાસરૂમ મેનેજમેન્ટ, એસેસમેન્ટ પદ્ધતિ, અધ્યાપક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ, અસરકારક અધ્યાપન પદ્ધતિ તથા સાધનો વગેરે વિષયોને સાંકળી લઈને પ્રાયોગિક અભ્યાસ કરાવ્યો હતો. આ કાર્યશાળામાં BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અધ્યયન કરાવતા અધ્યાપક સંતો તથા યુવક અધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ અધ્યાપન તાલીમ પ્રાપ્ત કરી હતી. અહીં સૌએ પ્રશ્નોત્તરી દ્વારા અધ્યયન કરાવતી વખતે આવતી મુશ્કેલી તથા સમસ્યાનું સમાધાન પ્રાપ્ત કર્યું હતું. આ કાર્યશાળાના અંતે સમાપન સમારોહમાં મહાવિદ્યાલયના પૂર્વ પ્રધાનાચાર્ય સાધુ આત્મતૃપ્તદાસ સ્વામીએ પોતાના વક્તવ્ય દ્વારા અધ્યાપનકાર્યનું મહત્ત્વ સમજાવ્યું તથા તાલીમાર્થી સંતો તથા યુવકોએ પોતાના અનુભવો તથા પ્રતિભાવ રજૂ કર્યા હતા. અંતમાં, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્યશ્રી ડો. સાગરભાઈ આચાર્યએ અધ્યાપકશ્રી ભરતભાઈ માવદિયાને આભારપત્ર અર્પણ કર્યુ. આમ, આ દસ દિવસીય કાર્યશાળા દ્વારા અધ્યયનને વધુ અસરકારક બનાવવાનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતુ.