બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય દશાબ્દી મહોત્સવ

ભારતીય શાસ્ત્ર પરંપરાનું શાસ્ત્રીય રીતે અને ઊંડાણપૂર્વક અધ્યયન કરાવતું સ્થળ એટલે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય. ૧૫મી માર્ચ સન ૧૯૨૩ના દિવસે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સંકલ્પ કરેલો કે ‘ભવિષ્યમાં સંસ્કૃત પાઠશાળા થાય’ અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે સન ૨૦૧૩માં સારંગપુરની દિવ્યભૂમિ પર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયની સ્થાપના કરીને ગુરુના આ સંકલ્પને પૂર્ણ કર્યો.

આ સમગ્ર વર્ષ શાસ્ત્રીજી મહારાજે કરેલા મહાવિદ્યાલયના ‘સંકલ્પનો શતાબ્દી મહોત્સવ’ તરીકે અને પ્રમુખસ્વામી મહારાજે કરેલા આ મહાવિદ્યાલયના ‘સર્જનનો દશાબ્દી મહોત્સવ’ તરીકે  ઉજવવામાં આવ્યું હતું.

આ મહોત્સવ અંતર્ગત થયેલા વિવિધ આયોજનોની ઝાંખી કરીએ.

  • સંસ્કૃત ક્ષેત્રના પ્રખર વિદ્વાનો દ્વારા પ્રતિમાસ ‘દશાબ્દી વ્યાખ્યાન માળા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ડૉ.નરેન્દ્રકુમાર પંડ્યા, ડૉ. પંકજકુમાર રાવલ વગરે વિદ્વાનોએ શ્રીમદ્ ભાગવત પુરાણમાં ગુરુ તત્ત્વ વિમર્શ અને રામાયણમાં ભક્ત ભગવાન સંબંધ જેવા વિષયો પર વ્યાખ્યાન માળાનો લાભ આપ્યો હતો.
  • આ સાથે “સત્સંગ દીક્ષા” અને “કારિકા” ગ્રંથના મુખપાઠનું ‘સત્સંગ સિદ્ધાંત મુખપાઠ અધિવેશન યોજવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ સંસ્કૃત શ્લોકોનો ખૂબ સુંદર મુખપાઠ કર્યો હતો.
  • વિદ્યાર્થીઓમાં નિષ્ઠાનું વર્ધન કરતી ‘નિષ્ઠાવાન ભવ’ શિબિર વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ સાબિત થઈ હતી.
  • વૈદિક યજ્ઞપરંપરાને જીવંત રાખતો ‘સત્સંગદીક્ષા મહાયાગ’ નું આયોજન દ્વારા વાલીઓ તથા વિદ્યાર્થીઓને દિવ્યતાનો અનુભવ થયો હતો.
  • પ્રાચીન શાસ્ત્રીય પરિપાટીને તાદૃશ્ય કરતી ‘અક્ષરપુરુષોત્તમ દર્શન – ઇતિહાસ, તત્ત્વજ્ઞાન અને પ્રવર્તંન’ આંતરરાષ્ટ્રિય પરિષદ વિદ્વાનો અને વિદ્યાર્થીઓએ માટે ઉચ્ચ જ્ઞાનની પ્રાપ્તિનું પ્લેટફોર્મ બન્યું હતું.
  • અભ્યાસકીય અને અધ્યાત્મિક સ્થળની યાત્રાએ વિદ્યાર્થીઓને આનંદ અને ઉત્સાહથી ભરી દીધા હતા.

આ દશાબ્દી મહોત્સવની મુખ્ય સભાની ઉજવણી ધામધૂમ પૂર્વક પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ૨૩ મી મે ૨૦૨૪ ના રોજ સારંગપુર ખાતે કરવામાં આવી હતી. ‘सर्वं भवति साकारम्’ આ મધ્યવર્તી વિચાર સાથે આરંભાયેલી આ સભામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે મહાવિદ્યાલય માટે જે સંકલ્પો કર્યા છે તે બધા કેવી રીતે સત્ય ઠર્યા છે તે વાતની અનુભૂતિ કરાવતા સંવાદો, પ્રવચનો, તેમજ વિશેષ પ્રસ્તુતિઓ થઈ. સ્વાગત નૃત્ય સાથે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સ્વાગત બાદ વિદ્યાર્થીઓએ ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, વેદાંત વગરે વિષયોનો સમન્વય કરીને સંસ્કૃત ભાષામાં શાસ્ત્રીય રજૂઆત કરી. પરમ પૂજય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી છેલ્લા દસ વર્ષમાં જે વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હોય, જેમણે PhD ની ડિગ્રી પ્રાપ્ત કરી હોય અથવા પ્રાપ્ત કરવાના હોય, NET-SET જેવી રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓ પાસ કરી હોય, અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કર્યો હોય વગરે સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પર મહંતસ્વામી મહારાજે આશીર્વાદ પાઠવ્યા અને સમૂહ છબીનો લાભ આપ્યો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ રચિત વિવિધ પુસ્તકોને સ્વામીશ્રીએ પ્રસાદીભૂત કર્યા હતા. ત્યારબાદ સ્વામીબાપાએ વિદ્યાર્થીઓ પર કરેલા અનંત ઉપકારોનું સ્મરણ કર્યું હતું. અંતે સ્વામીશ્રીએ તમામને આશીર્વચનનો લાભ આપી કૃતાર્થ કર્યા. આ રીતે સંસ્કૃત મહાવિદ્યાલયનો દશાબ્દી મહોત્સવ ભવ્યતા અને દિવ્યતાથી સંપન્ન થયો.

Gallery

Menu