સમગ્ર વિશ્વને અને પ્રત્યેક વ્યક્તિને પરમ શાંતિ અને પરમસુખ પ્રાપ્ત કરવાની સંજીવની મહંતસ્વામી મહારાજે સત્સંગદીક્ષા ગ્રંથરૂપે આપી. ૩૧૫ શ્લોકમાં નિબદ્ધ આ સત્સંગદીક્ષા ગ્રંથ એ ૧૧૦૦ થી વધારે વિષયોને સમાવે છે. સન્ ૨૦૨૦ માં પ.પૂ. મહંતસ્વામી મહારાજ દ્વારા રચાયેલ આ શાસ્ત્રનો અલ્પ સમયમાં જ વિશ્વભરમાં વ્યાપક સ્તર પર પ્રભાવ ફેલાયો છે. આજે સમસ્ત વિશ્વમાં લાખો સાધકો આ ગ્રંથનું નિત્યપઠન અને ચિંતન કરે છે. હજારો આબાલવૃદ્ધ જિજ્ઞાસુઓએ આ ગ્રંથને કંઠસ્થ કર્યો. આ ગ્રંથના યજ્ઞ, તુલાઓ અને સેમીનારો થયા. આજે ૨૦, ૦૦૦ થી વધુ વ્યક્તિઓ આ ગ્રંથનું ઓનલાઈન અધ્યયન કરી રહ્યા છે. આ ગ્રંથનો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સ્વાહિલી, તેલુગુ, ઉડીયા, કન્નડ, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન, પોર્ટુગીઝ, સ્પેનીશ, રશિયન, પોલિસ, બંગાળી, કેનેડિયન, બ્રેઈલલિપિ અને ઓસ્ટ્રેલિયન બ્રેઈલલિપિમાં અનુવાદો થયા. આ ગ્રંથનું ઊંડાણપૂર્વક અધ્યયન કરવામાં આવે તો તેમાં છૂપાયેલા જ્ઞાનસભર સિદ્ધાંતમૌકિતકોનું દર્શન બહુજનસુલભ થઈ શકે છે. આ આશાથી ‘સત્સંગદીક્ષા શાસ્ત્રમાં જીવન ઉન્નતિના વિવિધ દૃષ્ટિકોણ’ વિષયક પંચદિવસીય આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન ૫ થી ૯ ઓક્ટોબર, ૨૦૨૧ દરમિયાન ‘આર્ષ શોધ સંસ્થાન’ ગાંધીનગર અને ‘બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય’ સારંગપુર દ્વારા કરવામાં આવ્યું હતું. અક્ષરધામ તુલ્ય સારંગપુર સ્થાન અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં આ સંગોષ્ઠીમાં વિશ્વના કુલ ૬ દેશોના ૪૬ જેટલા વિદ્વાનોએ ભાગ લીધો હતો.
ઉદ્ઘાટન સમારંભ
આ સત્સંગદીક્ષાના આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠીનો ઉદ્ધાટનવિધિ પ.પૂ. મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે તારીખ ૫ ઓક્ટોબરના રોજ પૂજાદર્શનમાં દીપપ્રાગટ્ય દ્વારા સંપન્ન થયો હતો. જેમાં સ્વામીશ્રીએ પ્રત્યેક શોધછાત્રને આપવા માટેના પ્રમાણપત્રો, આઇ-કાર્ડ તથા સ્મૃતિ ભેટ પ્રસાદીભૂત કર્યા હતા. આ સાથે Diploma in the Shrimad Bhagavad Gita and its Commentaries અને Diploma in Sanskrit Language આ બંને ઓનલાઈન કૉર્સનાં દ્વિતીય વર્ષના નૂતન સત્રનું ઉદ્ઘાટન પ.પૂ. મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે થયું હતું. આ નૂતન સત્રમાં ભારત, ઓસ્ટ્રેલિયા, યુ.કે-યુરોપ, ગલ્ફ દેશો, અમેરિકા, કેન્યા, કેનેડા, યુગાન્ડા, સિંગાપોર વગેરે દેશોના ૧૮૧ જેટલા વિદ્યાર્થીઓ ૩૯૫ જેટલા જેટલી વિદ્યાર્થીનીઓ એમ કુલ મળીને દેશ-વિદેશનાં ૫૭૬ જેટલા વિદ્યાર્થીઓ આ કૉર્સમાં ભાગ લીધો હતો.
પ.પૂ. મહંતસ્વામી મહારાજે આ પ્રસંગે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, “શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુઓએ જે સનાતન જ્ઞાન આપ્યું છે તેનો સાર ટૂંકમાં આવી જાય એવો ગ્રંથ રચાય તેવી મારી ઇચ્છા હતી. આ ગ્રંથ રચવાનો હેતુ એ જ છે કે આ લોકમાં સૌ સુખી થાય અને પરલોકમાં પણ પરમ પ્રાપ્તિ થાય. આ ગ્રંથ ઉપર આજે આંતરરાષ્ટ્રીય સેમિનાર થઈ રહ્યો છે. એનાથી આનંદ થયો છે. આ તો ખૂણિયું જ્ઞાન હતું. ક્યાંય હાથમાં ન આવે પણ શાસ્ત્રીજી મહારાજે એવું બળ કર્યું કે આ મૂર્તિઓ પધરાવી દીધી; ને આ ગ્રંથ પર આજે આંતરરાષ્ટ્રીય સેમિનાર થઈ રહ્યો છે. કેટલી મોટી વાત કે’વાય! ખૂણિયું જ્ઞાન હતું તે ચોકમાં આવી ગયું. વિશ્વના ચોકમાં આવી ગયું. દેશ-વિદેશના વિદ્યાર્થીઓ અને વિદ્વાનો આના પર સંશોધનપત્રો રજૂ કરશે. એનાથી ઘણા નવા દૃષ્ટિકોણ ખૂલશે અને બધાને લાભ થાશે.”
ત્યારબાદ ઉદ્ઘાટન સમારંભની મુખ્ય સભામાં કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટી(તિરુપતિ)ના કુલપતિશ્રી ડૉ.મુરલીધર શર્મા અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિશ્રી ડૉ.લલિતભાઈ પટેલ હાજર રહ્યા હતા. જેમાં કુલપતિશ્રી ડૉ.મુરલીધર શર્માએ આ ગ્રંથ અંગે જણાવ્યું હતું કે,