BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય, સારંગપુરમાં અવારનવાર યોજાતા અનેક પ્રકલ્પો પૈકી તારીખ 5 જાન્યુઆરી, 2025 થી 11 જાન્યુઆરી, 2025 દરમિયાન કર્મમીમાંસા વિષયની સપ્તદિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ષડ્ દર્શનોમાં જેની પરિગણના કરવામાં આવે છે એવા પૂર્વમીમાંસા દર્શનના ‘અર્થસંગ્રહ’ નામના પ્રકરણગ્રંથનો અભ્યાસ એ આ કાર્યશાળાનો વિષય હતો. આ કાર્યશાળામાં અધ્યાપક તરીકે કેન્દ્રિય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના શૃંગેરી સ્થિત શ્રીરાજીવ ગાંધી પરિસરના મીમાંસા વિભાગના વિભાગાધ્યક્ષ પ્રોફેસર શ્રી સૂર્યનારાયણ ભટ્ટ પધાર્યા હતા. પ્રથમ દિવસે આ કાર્યશાળાનું ઉદ્ઘાટન સત્ર રાખવામાં આવ્યું હતું, જેનો આરંભ વૈદિક મંગલાચરણ અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો. આ સત્રમાં મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય ડૉ.સાગરભાઈ આચાર્ય, અન્ય અધ્યાપકો તેમજ વિશિષ્ટ અતિથિ તરીકે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ રીસર્ચ ઇન્સ્ટીટયુટ, નવી દિલ્હીના અધ્યક્ષ મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ ઉપસ્થિત રહીને પ્રેરણા વચનો પાઠવ્યાં હતાં. ત્યાર બાદ પ્રતિદિન સવાર-સાંજ પ્રોફેસર સૂર્યનારાયણ ભટ્ટે સમગ્ર સપ્તાહમાં 30 કલાકથી વધુ સમયમાં અર્થસંગ્રહ નામના ગ્રંથનો અભ્યાસ સરળ અને રોચક શૈલીમાં કરાવ્યો હતો તેમજ પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વૃદ્ધિ કરી હતી. વળી, વિદ્યાર્થીઓ પણ સમયાનુસાર વર્ગમાં ભણાવેલ વિષય પર ગોષ્ઠી કરીને વિષયના જ્ઞાનને વધુ દૃઢ કરી રહ્યા હતા. વિદ્યાર્થી સંતો તથા યુવકોની ધારણશક્તિ તેમજ સમજશક્તિથી અધ્યાપકશ્રી સૂર્યનારાયણ પોતે પણ ઘણા પ્રભાવિત થયા હતા.
આ કાર્યશાળાના અંતિમ દિવસે યોજાયેલ પૂર્ણહૂતિ સત્રમાં વિદ્યાર્થી સંતો અને યુવકોએ અમુક વિષયો પર રજૂઆત કરી હતી તેમજ અધ્યાપકની વિશેષતાઓ સંબંધી પોતાના અનુભવો પણ રજૂ કર્યા હતા. આ ઉપરાંત અધ્યાપકશ્રી પ્રો. સૂર્યનારાયણ ભટ્ટે સારંગપુર સ્થાનની દિવ્યતા તથા મહાવિદ્યાલયની વિશેષતા જણાવતાં વિદ્યાર્થીઓની પ્રશંસા કરી હતી. અંતે મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
આમ, આ સપ્તદિવસીય કાર્યશાળા સૌ વિદ્યાર્થીઓ માટે મીમાંસાશાસ્ત્રના અધ્યયન માટે પ્રવેશદ્વાર તુલ્ય બની રહી.