BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના દશાબ્દી વર્ષ નિમિત્તે થનાર વિવિધ આયોજનોમાનું એક વિશેષ આયોજન એટલે દશાબ્દી વ્યાખ્યાનમાળા. જેનો મંગલ પ્રારંભ તારીખ 22 જુલાઈ 2023 ના રોજ વૈદિક મંગલાચરણ તથા દીપ પ્રાગટ્ય દ્વારા થયો હતો, જેમાં વિશેષ અતિથિ તરીકે BAPS સંસ્થાના વરિષ્ઠ સંત પરમ પૂજ્ય વિવેકસાગરદાસ સ્વામી તથા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સંચાલિત કોલેજના પ્રધાનાચાર્ય ડૉ. શ્રી નરેન્દ્ર કુમાર પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ પૂજ્ય જ્ઞાનતૃપ્તદાસ સ્વામીએ વ્યાખ્યાનમાળાનો હેતુ સમજાવ્યો. આ ઉદ્ઘાટન સત્રમાં પરમ પૂજ્ય વિવેકસાગરદાસ સ્વામીએ સંસ્કૃત ભાષા તથા શ્રીમદ્ભાગવત ગ્રંથના આધારે ગુરુ મહિમાને સંક્ષિપ્તમાં સમજાવ્યો હતો.
આ ઉદ્ઘાટન સત્ર બાદ વ્યાખ્યાનમાળાના સૌ પ્રથમ વ્યાખ્યાનનો આરંભ થયો. જેના વ્યાખ્યાતા તરીકે સંસ્કૃત સાહિત્ય, વ્યાકરણ તથા પુરાણ વિષયના મૂર્ધન્ય વિદ્વાન શ્રી સોમનાથ સંસ્કૃત યુનવર્સિટી સંચાલિત કોલેજના પ્રધનાચાર્ય ડૉ. શ્રી નરેન્દ્રકુમાર પંડ્યા હતા. તેઓના વ્યાખ્યાનનો મુખ્ય વિષય ‘શ્રીમદ્ ભાગવતમહાપુરણમાં ગુરુતત્ત્વનો મહિમા’ હતો. આ વિષયક પોતાની વિદ્વત્પૂર્ણ રસાળ શૈલીમાં ગુરુ મહિમા સમજાવ્યો હતો. આ વ્યાખ્યાનના શ્રોતા તરીકે BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા ઓનલાઇન માધ્યમથી પણ મોટી સંખ્યામાં અન્ય વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આમ સૌ પ્રથમ વ્યાખ્યાનના શ્રવણ દ્વારા શ્રોતાઓ શ્રીમદ્ભાગવત ગ્રંથમાં ગવાયેલ ગુરુની જીવનમાં અગત્યતા તથા ગુરુની ગુણગરિમાને સમજયા હતા. આમ, પ્રતિમાસ યોજાનાર આ વ્યાખ્યાનમાળા જ્ઞાનપ્રાપ્તિ તથા પ્રેરણાપ્રાપ્તિનું વિશિષ્ટ પર્વ બની રહેશે.