પ્રસ્તાવના
સાહિત્ય અને સંસ્કૃતિનો પરસ્પર અવિચ્છિન્ન સંબંધ છે. વસ્તુત: સંસ્કૃતિની અભિવ્યક્તિ સાહિત્યના માધ્યમથી થાય છે. તેથી જ સાહિત્ય જે તે સમયનું રાજનૈતિક, સામાજિક, આધ્યાત્મિક અને નૈતિક જીવનનું પ્રતિબિંબ બની રહે છે.
ઉત્તર મધ્યકાલીન ભક્તિ-સાહિત્ય ભારતીય સાહિત્યાગારમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ સમયાવધિના સાહિત્યસર્જનમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રદાન અનેરું છે. આ સંપ્રદાયે અનેક ભક્તકવિઓનું સર્જન કર્યું છે, જેમાં ‘બ્રહ્માનંદ સ્વામી’નું નામ અવિસ્મરણીય છે. ગુજરાતી કાવ્ય-સાહિત્યમાં કવિવર બ્રહ્માનંદ સ્વામીની રચનાઓ બે સદીઓ વીતવા છતાં અનોખું સ્થાન જાળવી રહી છે. આ પ્રતિભાશાળી સંતકવિએ પોતાનાં આચારપૂત સાહિત્યસર્જનથી જનમાનસના નૈતિક ઘડતરમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
છેલ્લા બસ્સો વર્ષમાં બ્રહ્માનંદ સ્વામીના વિશાળ સાહિત્ય પર અનેક ગ્રંથો, પુસ્તકો, લેખો, શોધપત્રો, મહાનિબંધો વગેરે લખાયાં છે, પણ તે સર્વમાં પ્રાય: તેઓના સાહિત્યના બાહ્ય વૈભવ ઉપર વિશેષ ભાર મુકાયો છે. કેટલાક સાંપ્રદાયિક લેખકોએ તેઓના જીવનપ્રસંગોનું પણ આલેખન કર્યું છે. પરંતુ કવિના સાહિત્યસર્જન ને તેઓના જીવનના સંદર્ભમાં અધ્યાવાધિ મૂલવતું વિશ્લેષણ અનુપલબ્ધ રહ્યું છે.
પ્રસ્તુત શોધનિબંધમાં તેઓની સાહિત્ય વગેરે કાવ્યવૈભવની સાથે તેઓની બાહ્ય અને આંતરિક પ્રતિભાનું પ્રમાણિક નિદર્શન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
તે માટે તેઓની કુળપરંપરામાં હયાત વંશજોનો સંપર્ક કરીને, તેઓની હસ્તપ્રતોનું અધ્યયન કરીને, પ્રાચીન ભારતીય કાવ્યશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રના ગ્રંથોના પરિપ્રેક્ષ્યમાં તેમનાં સર્જનોનું મૂલ્યાંકન કરીને, વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રકાશિત પુસ્તકોનું અધ્યયન કરીને આ લેખસામગ્રી તૈયાર કરવામાં આવી છે. જેમાં તેઓનાં સાહિત્યિક કાવ્યો અને જીવન પ્રસંગોનો સુમેળ સાધીને તેઓના સમગ્ર જીવનકાળનું અવલોકન કરવામાં આવ્યું છે.
બ્રહ્માનંદ સ્વામીના જીવનના આ અધ્યયનથી તત્કાલીન રાજકીય પરિસ્થિતિ, સામાજિક-ધાર્મિક પરિવેશ, ઉત્સવો, પહેરવેશ, સંપ્રદાયના સ્ત્રીભક્તોની ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિની સાથે પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાનનું અદ્વિતીય તાત્ત્વિક નિરૂપણ અને સ્વામિનારાયણ સંપ્રદાયના ઉદ્ભવ અને વિકાસ અંગે પણ નોંધપાત્ર માહિતી મળે છે.

