કવિસમ્રાટ બ્રહ્માનંદ સ્વામી: દીક્ષાપૂર્વનું જીવન

By Astikmunidas Swami & Paramsetudas Swami
Part 1 of 4

પ્રસ્તાવના

સાહિત્ય અને સંસ્કૃતિનો પરસ્પર અવિચ્છિન્ન સંબંધ છે. વસ્તુત: સંસ્કૃતિની અભિવ્યક્તિ સાહિત્યના માધ્યમથી થાય છે. તેથી જ સાહિત્ય જે તે સમયનું રાજનૈતિક, સામાજિક, આધ્યાત્મિક અને નૈતિક જીવનનું પ્રતિબિંબ બની રહે છે.

ઉત્તર મધ્યકાલીન ભક્તિ-સાહિત્ય ભારતીય સાહિત્યાગારમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ સમયાવધિના સાહિત્યસર્જનમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રદાન અનેરું છે. આ સંપ્રદાયે અનેક ભક્તકવિઓનું સર્જન કર્યું છે, જેમાં ‘બ્રહ્માનંદ સ્વામી’નું નામ અવિસ્મરણીય છે. ગુજરાતી કાવ્ય-સાહિત્યમાં કવિવર બ્રહ્માનંદ સ્વામીની રચનાઓ બે સદીઓ વીતવા છતાં અનોખું સ્થાન જાળવી રહી છે.  આ પ્રતિભાશાળી સંતકવિએ પોતાનાં આચારપૂત સાહિત્યસર્જનથી જનમાનસના નૈતિક ઘડતરમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

છેલ્લા બસ્સો વર્ષમાં બ્રહ્માનંદ સ્વામીના વિશાળ સાહિત્ય પર અનેક ગ્રંથો, પુસ્તકો, લેખો, શોધપત્રો, મહાનિબંધો વગેરે લખાયાં છે, પણ તે સર્વમાં પ્રાય: તેઓના સાહિત્યના બાહ્ય વૈભવ ઉપર વિશેષ ભાર મુકાયો છે. કેટલાક સાંપ્રદાયિક લેખકોએ તેઓના જીવનપ્રસંગોનું પણ આલેખન કર્યું છે. પરંતુ કવિના સાહિત્યસર્જન ને તેઓના જીવનના સંદર્ભમાં અધ્યાવાધિ મૂલવતું  વિશ્લેષણ અનુપલબ્ધ રહ્યું છે.

પ્રસ્તુત શોધનિબંધમાં તેઓની સાહિત્ય વગેરે કાવ્યવૈભવની સાથે તેઓની બાહ્ય અને આંતરિક પ્રતિભાનું પ્રમાણિક નિદર્શન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

તે માટે તેઓની કુળપરંપરામાં હયાત વંશજોનો સંપર્ક કરીને, તેઓની હસ્તપ્રતોનું અધ્યયન કરીને, પ્રાચીન ભારતીય કાવ્યશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રના ગ્રંથોના પરિપ્રેક્ષ્યમાં તેમનાં સર્જનોનું મૂલ્યાંકન કરીને, વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રકાશિત પુસ્તકોનું અધ્યયન કરીને આ લેખસામગ્રી તૈયાર કરવામાં આવી છે. જેમાં તેઓનાં સાહિત્યિક કાવ્યો અને જીવન પ્રસંગોનો સુમેળ સાધીને તેઓના સમગ્ર જીવનકાળનું અવલોકન કરવામાં આવ્યું છે.

બ્રહ્માનંદ સ્વામીના જીવનના આ અધ્યયનથી તત્કાલીન રાજકીય પરિસ્થિતિ, સામાજિક-ધાર્મિક પરિવેશ, ઉત્સવો, પહેરવેશ, સંપ્રદાયના સ્ત્રીભક્તોની ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિની સાથે પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાનનું અદ્વિતીય તાત્ત્વિક નિરૂપણ અને સ્વામિનારાયણ સંપ્રદાયના ઉદ્ભવ અને વિકાસ અંગે પણ નોંધપાત્ર માહિતી મળે છે.

જન્મ અને જન્મભૂમિ

સ્વામિનારાયણ સંપ્રદાયના એક મહાન કવિ, વેદાંતાચાર્ય, પિંગળાચાર્ય, મહામહોપાધ્યાય, શતાવધાની, રાજનીતિજ્ઞ અને આધ્યાત્મિક જીવન માટે સમર્પિત સંત એવા બ્રહ્માનંદ સ્વામીનો જન્મ ગુજરાત અને રાજસ્થાનની સીમારેખા પર ગિરિરાજ અર્બુદાચલની છાયામાં આવેલ સિરોહી જિલ્લાના ‘ખાણ’ ગામમાં થયો હતો.1 બ્રહ્માનંદ સ્વામીએ પોતાની કૃતિ ‘બ્રહ્મવિલાસ’માં પોતાના જન્મ અને જન્મભૂમિનો પરિચય આ રીતે આપ્યો છે :

“જ્ઞાતિ ચારણ ઓડક2 આશિયું કી, આબુ છાંય ભયો ખાણ ગામમેંજી,
તાકે નામ શંભુદાન તાત હુકો, માત લાલુબાઈ ધર્યો ઠામમેંજી.”3

Brahmānanda Svāmī’s home

Renovated and currently occupied by members of the seventh and eighth generations of the family.

તેઓનું પૂર્વાશ્રમનું નામ લાડુદાન હતું. જન્મ વર્ષ વિ.સ. ૧૮૨૮ મહા સુદ પાંચમ, વસંત પંચમી (૮ ફેબ્રુઆરી, ૧૭૭૨). એમના પિતાનું નામ શંભુદાનજી અને માતાનું નામ લાલુબા હતું. તેઓ મારૂ ચારણકુળમાં આશિયા શાખાના ગઢવી હતા. શંભુદાનજી સિરોહી રાજ્યના રાજકવિ હતા.4 બ્રહ્માનંદ સ્વામીના જન્મથી મારવાડ-ભૂમિના પુણ્ય પ્રસ્ફુટિત થયા. બ્રહ્માનંદ સ્વામીની કુળપરંપરામાં હયાત હાલ ૬૮ વર્ષીય ગંગાદાનજીએ આ વિષયે ભાવોર્મિ વ્યક્ત કરતાં કહ્યું કે, ‘બ્રહ્માનંદ સ્વામીએ અમારી આખી કોમને ગૌરવ અર્પ્યું છે. અમે તેઓના ઋણી છીએ.’5

વિદ્યાભ્યાસ

લાડુદાનજી સાત વર્ષના થયા ત્યારે વિદ્યાભ્યાસ શરૂ કર્યો. પરંપરાગત કાવ્યરચના અને પ્રસ્તુતીકરણનું ભારે કૌશલ્ય તેઓએ સહજ રીતે વારસાગત રૂપે પ્રાપ્ત કરેલું. નાનપણથી જ તેઓમાં વિદ્વત્તા અને કવિત્વશક્તિ નૈસર્ગિક રહી હતી. ખુમારીથી અને ખંતથી કાવ્યપાઠ-કાવ્યસર્જન કરનાર તરીકે લાડુદાને બાલ્યાવસ્થામાં જ કીર્તિ મેળવી લીધેલી. આ કારણે તે સમયના સિરોહીના રાજવીએ ખાસ આર્થિક સુવિધા કરીને ભુજની ‘મહારાવશ્રી લખપતજી પિંગળ પાઠશાળા’માં કવિશિક્ષણ મેળવવા મોકલેલા.6

Brahmānanda Svāmī’s Maharavāsrī Lakhapataji Piṅgala Pāṭhaśālā

Brahmānanda Svāmī’s Maharavāsrī Lakhapataji Piṅgala Pāṭhaśālā

ભુજની આ કાવ્યશાળા સમગ્ર ભારતમાં અદ્વિતીય ગણાતી.7 અહીં કાવ્યશાળામાં સૌથી વધુ સમય સુધી રહીને સંપૂર્ણ અભ્યાસ વ્યવસ્થિત રીતે પૂર્ણ કરનાર તેઓ પહેલા વિદ્યાર્થી હતા. બ્રહ્માનંદ સ્વામીની વિદ્વતાને વ્યક્ત કરતો તેઓનો આ એક ચારણી સાહિત્યનો દોહો પ્રચલિત છે.

“ભાષા સો શાખા જ હૈ, સંસ્કૃત હૈ મૂળ,
મૂળ રહત હૈ ધૂળમેં, શાખામેં ફળફૂલ.” 8

સતત ૧૦ વર્ષ સુધી અભ્યાસ કરીને તેઓએ પિંગળ9 અને ડિંગળ10, હિન્દી, વ્રજ તથા ચારણી સાહિત્યની રચનામાં આશ્ચર્ય ઉપજાવે તેવું કૌશલ પ્રાપ્ત કર્યું હતું. માત્ર કાવ્યશિક્ષણ જ નહીં પરંતુ વિદુરનીતિ, ચાણક્યનીતિ, અંગદનીતિ જેવાં નીતીશાસ્ત્રોનો પણ તેઓએ અભ્યાસ કરેલો. અહી તેઓ પિંગળ શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર11, સામુદ્રિક શાસ્ત્ર12, શાલિહોત્ર શાસ્ત્ર13 અને આરોગ્ય શાસ્ત્રના તજજ્ઞ બન્યા. ઉપરાંત સિતાર, મૃદંગ અને નરઘાના વાદનમાં પણ પ્રવીણતા પ્રાપ્ત કરેલી. ત્યારબાદ થોડા સમય માટે તેઓએ અહીં કાવ્યપાઠનું અધ્યાપનકાર્ય પણ કરાવેલું.

કચ્છના મહારાવશ્રીએ લાડુદાનને રાજકવિરત્ન, પિંગળવિદ્યાચાર્ય, સહસ્ત્ર-શતાવધાની, મહામહોપાધ્યાય, મહાશીઘ્રકવીશ્વર જેવી અનેક ઉપાધિઓથી વિભૂષિત કરેલા અને સાથે સુવર્ણપદક પણ અર્પણ કર્યો હતો. તેઓની મેધાવી શક્તિ જોઈ મહારાવશ્રીએ પોતાના હાથે “દોવળા તાજીમ સરદાર”14 બનાવી તેઓને પગમાં સોનાનો તોડો પહેરાવ્યો હતો.15 ત્યારબાદ તેઓએ ધમડકામાં વિજયકુશળજી ભટ્ટાચાર્ય પાસે શાસ્ત્રોક્ત ૬૪ કળાઓમાંથી પોતાના ઉપયોગમાં આવે એવી નૃત્યકળા, નાટ્યકળા, પાકશાસ્ત્ર કળા10, ઉદકવાદ્યકળા16, શિલ્પકળા, શુકનકળા જેવી ૨૪ કળાઓનું સંપૂર્ણ જ્ઞાન પણ પ્રાપ્ત કરેલું હતુ.17

રાજકવિ લાડુદાનજી પિંગળશાસ્ત્રનો અભ્યાસ પૂર્ણ કરી કચ્છ, ધ્રાંગધ્રા, જામનગર, જૂનાગઢ, આદિ રાજ્યોમાં પોતાની પ્રખર કવિત્વ શક્તિથી સન્માન, ઇલકાબો, પ્રમાણપત્રો, ભેટ-સોગાદોને પ્રાપ્ત કરતાં કરતાં ભાવનગર આવ્યા. અભ્યાસ પૂર્ણ કર્યા પછીની તેઓની આ દિગ્વિજય યાત્રામાં તેઓ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં જનસમુદાય અને મહારાજાઓ તેઓની બુદ્ધિપ્રતિભાથી અભિભૂત થઈ જતા. અભૂતપૂર્વ શરીર સૌન્દર્યની સાથોસાથ સાગરસમો ઘૂઘવતો, ગંભીર પહાડી અવાજ, સુકંઠી અને હલકભરી કાવ્ય કહેવાની ચારણી શૈલી અને કાવ્યના મર્મને સમજાવવાની તેઓની રોચક અદાથી અન્ય કવિરાજો તેઓ સમક્ષ નમી પડતા. અનેક રાજવીઓએ તેઓને પોતાના રાજકવિ બનવાનું પ્રલોભન આપેલું પણ પોતાની કાવ્યકળાનો પચિચય કરાવવા નીકળેલા તેઓ ક્યાંય ન લોભાયા. પોતાની બુદ્ધિશક્તિ અને વાક્ચાતુરી દ્વારા અનેકને પ્રભાવિત કરનાર લાડુદાનના જીવનમાં સંવત ૧૮૬૧માં અચાનક જ એક નવો વળાંક આવ્યો. 18

જીવનપરિવર્તનની ધન્ય ઘડી

લાડુદાનજી ભાવનગરના રાજા વજેસિંહજીના રાજ્ય અતિથિ બન્યા હતા. રાજાના વચને તેઓ ગઢડા ગામમાં ભગવાન સ્વામિનારાયણના ભગવાનપણાની પરીક્ષા કરવા પધાર્યા. પરંતુ મીઠાની પૂતળી જેમ સાગરનો તાગ લેવા જાય અને તેમાં જ ઓગળી જાય તેવી દશા કવીશ્વરની થઈ. ‘लवणपुत्तलीं मन्ये समुद्रान्तः परीक्षितुम्। गतेव न पुनः प्रायात् तथा कवीश्वरस्थिति:॥‘19 તેઓ નીકળ્યા હતા ભગવાન સ્વામિનારાયણના ભગવાનપણાની કસોટી કરવા પણ એ કસોટી માટે કરેલ ચાર સંકલ્પ સિદ્ધ થતાં પોતે જ ત્યાં સદાને માટે રોકાઈ ગયા. તેઓના ભગવાન સાથેના મિલનની એ ઘડી તેઓના ભાગ્યપરિવર્તનની સૂચિકા બની રહી. એ ક્ષણે લાડુદાનજીએ ગાયું.

“આજની ઘડી રે ધન્ય આજની ઘડી,
નેણેં નીરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી.”20

ભગવાનનાં પ્રથમ દર્શને જ એમના સર્વ સંકલ્પો વિરામ પામી ગયા અને અંતરમાં પ્રેમ અને નિશ્ચયની ગાંઠ બંધાઈ ગઈ. તેનાં દર્શન આ છેલ્લી કડીમાં થાય છે :

“જ્ઞાનકૂંચી ગુરુગમ સે ગયાં તાળાં ઊઘડી,
લાડુ સહજાનંદ નિહાળતાં ઠરી આંખડી.”21

લાડુદાન કવિ ત્યારથી ભગવાન સ્વામિનારાયણ પાસે જ રહી ગયા અને એમની જ પ્રેરણાથી પ્રેમભક્તિનાં કાવ્યો રચવા લાગ્યા.22

ભગવાન સ્વામિનારાયણ ધર્મપ્રચાર માટે એક ગામથી બીજે ગામ જતા ત્યારે લાડુદાન પણ સાથે રહેતા. એકવાર કારિયાણી ગામે તેઓ હતા, ત્યારે શ્રીજી મહારાજે તેઓને બોલાવીને કહ્યું, ‘તમારે એક કઠિન કામ પાર પાડવાનું છે. ગઢડાના એભલ ખાચરની જુવાન દીકરીઓ – લાડુબા અને જીવુબા ગૃહસ્થાશ્રમમાં જોડાવાની ના કહે છે, માટે તમે એમને સમજાવીને ગૃહસ્થાશ્રમ તરફ વાળો.’ કવિને પોતાની બુદ્ધિ અને વાક્ચાતુરીનો વિશ્વાસ હતો. તેથી તેઓએ ગઢડા જઈને શૃંગારપ્રચુર વાક્યોથી તથા મોહક ધ્વનિ વડે વૈરાગ્યનું ખંડન કરીને અનેક રીતિથી બંન્ને બહેનોને સંસારમાં રહીને પણ ભક્તિ થઈ શકે તેમ સમજાવ્યું. કવિએ કહેલું બધું જ સાંભળ્યા પછી તે બન્ને કન્યાઓએ દેહાભિમાન વધારનાર સંસારનું નાશવંતપણું, શરીરનું દુઃખરૂપપણું, ઝેર સમાન વિષયો, પ્રત્યક્ષ પરમાત્માની સંનિધિ અને નિર્ભય શરણાગતિ વિષે એવો શ્રદ્ધાભર્યો પ્રત્યુત્તર અને ઉપદેશ આપ્યો કે કવિ પોતે નિરુત્તર થઈ ગયા. આ ઉપદેશની કવિ પર ઘણી ઊંડી અસર થઈ.22 ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની અનન્ય નિષ્ઠા અને સમર્પિતતાને કારણે એ ગ્રામીણ અને સામાન્ય જણાતાં નારી-ભક્તો પણ અધ્યાત્મનું એવું ઉચ્ચ પદ સર કરી શક્યા હતા કે તેમની વાણીએ બુદ્ધિ વૈભવ, કલાવૈભવ અને સંપત્તિ વૈભવમાં રાચતા લાડુદાનના અંતરને વૈરાગ્યથી ભરી દીધું. તેઓમાં જ્ઞાન-વૈરાગ્યનો રંગ ચઢતાં, જગતના વિષયોનો રંગ ઊડી ગયો.23

કારિયાણી પધારી તેઓએ વસ્ત્ર-અલંકારોનો ત્યાગ કરી પોતાને સાધુ બનાવવાની વિનંતી શ્રીજીમહારાજ સમક્ષ કરી. શ્રીજીમહારાજે રાજી થઈ તેઓને સાધુદીક્ષા આપીને શ્રીરંગદાસ નામ પાડ્યું.24

ત્યાગ કસોટીની એરણ પર

લાડુદાનજીએ શ્રીજીમહારાજનાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું ત્યારે એ જમાનામાં (સન્ ૧૮૦૫માં) કવિ લાડુદાનજી પાસે શું શું હતું? ૧૧,૦૦૦  નગદ રૂપિયા, ૨૨,૦૦૦ રૂ.ની જામશાહી કોરીઓ, ૯૦,૦૦૦ દીવાનશાહી કોરીઓ, ૧૦૧ જામશાહી સોનામહોર, સોનાનાં જડાવ દાગીનાં, હીરા, મોતી, માણેક વગેરેના ટૂપિયાઓ, હાર, સોનાના તોડા, બેડીઓ, કડાં, વેઢ, વીંટીઓ, શિરપંચો, હમેલ, આશાલાકડી વગેરે ઘરેણાંઓ, આભૂષણો તેમ જ ઘોડા, ઊંટનાં સોના-રૂપાનાં દાગીનાંઓ, પોષાક, પહેરામણીનાં કીમતી સોનેરી વસ્ત્રો-પાઘ, શાલ, દુશાલાઓ. વાહનોમાં ૧૬ ઘોડા, ૭ ઊંટ, ૪ બળદ, એક શિગરામ ગાડી, એક ગાડી, ૫૦ સેવકો, ૨૫ શિરબંધી અંગરક્ષકો, ૨૫ વાહનવાળા સેવકો.25 આશ્ચર્યચકિત થઈ જવાય એવી નાનકડી રિયાસત જેવી સાહ્યબીને ઠોકરે દઈ લાડુદાન બ્રહ્માનંદ સ્વામી બન્યા. વિશ્વના અજોડ ત્યાગીઓમાં સ્થાન અપાવે એવો એમનો આ ત્યાગ છે.

દીક્ષા બાદ તેઓને શ્રીરંગદાસ નામથી કાવ્યો ગોઠવવામાં અનુપ્રાસ મેળવવામાં બરાબર અનુકૂળ નહોતું આવતું એટલે શ્રીહરિએ તેઓને નૂતન નામ બક્ષ્યું ‘બ્રહ્માનંદ’. પોતાના આ જીવન પ્રસંગને બ્રહ્માનંદ સ્વામીએ આ રીતે છંદમાં ગૂંથી લીધો :

“લાડુ મેટ કે શ્રીરંગ નામ ધર્યો, દોઉ લીન બ્રહ્માનંદ નામમેંજી,
ચિત્ત ધાર સહજાનંદ શ્યામ છબી, જગ જીત ગયો નિજ ધામમેંજી.”26

લાડુદાનજી દીક્ષા લઈ સાધુ થયા છે એવી વાત જાણીને તેઓના માતા-પિતા, સગાસંબંધીઓ સાથે ગઢપુર આવ્યા અને સ્વામીને કહ્યું કે, ‘તમે અમારી સાથે ચાલો અને સગપણ કરેલ કન્યાઓ સાથે લગ્ન કરી ગૃહસ્થાશ્રમ માંડો.’ ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે, ‘મને તો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિ વિના સંસારના બીજા પદાર્થો ઝેર જેવા લાગે છે. મારું સાચું સગપણ તો ભગવાન શ્રીજીમહારાજ સાથે થઈ ગયુ છે.’ એમ કહી :

“રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું…
રે સહુ સાથે પ્રીતિ ટાળી,  રે ભાંગ્યુ મન મિથ્યા ભાળી
છે વરવા જેવા એક વનમાળી – રે સગપણ..”27

આવાં ચાર પદો ગાઈ સ્વામીએ પોતાના હૃદયનો ભાવ વ્યક્ત કરી દીધો. છતાં તેઓના પરિવારજનોએ ઘણા દિવસો સુધી તેઓને સમજાવવા પ્રયત્નો કર્યો. સ્વયં શ્રીજીમહારાજે પણ તેઓના ત્યાગની કસોટી કરતાં કહ્યું, “તમે ગૃહસ્થાશ્રમ માંડો અને સહુને રાજી કરો એમાં અમે રાજી છીએ.”

શ્રીજીમહારાજનાં આ મર્મસભર વાક્યો સાંભળીને સ્વામીનું હૃદય દ્રવી ગયું અને ગાઈ ઊઠ્યા :

“વહાલા લાગો છો વિશ્વ આધાર રે સગપણ તમ સાથે,
મેં તો સર્વે  મેલ્યો સંસાર રે – સગપણ તમ સાથે
મારા મનમાં વસ્યા છો આવી શ્યામ રે – સગપણ તમ સાથે,
તમ સારુ તજ્યું ધન ધામ રે – સગપણ તમ સાથે.”28

બ્રહ્માનંદ સ્વામી શ્રીજીમહારાજને કહે છે, “રે મહારાજ મારું સગપણ આપથી જ છે, આપ મારા નાથ છો, ધણી છો, મેં તમારા માટે જ ધન, ધામ, કુટુંબ બધું ત્યાગ કર્યું છે, આ દેહ પણ તમારા માટે જ છે.”

બ્રહ્માનંદ સ્વામીએ સાત દિવસ સુધી આવાં ચોસર29 પદો રચીને ગાયાં તે સાંભળીને સહુને જણાયું કે આ લાડુદાનજી હવે કોઈ પણ રીતે પાછા નહીં જ આવે અને સહુએ મારવાડ પાછા જવા નિર્ણય કરી લીધો. જતી વખતે તેઓની માતાનું હૃદય ઘણું વિહ્વળ હતું. તેથી શ્રીજીમહારાજે કહ્યું કે, “લાલુબા, હું તમારા દીકરાની મા બનીશ.” બ્રહ્માનંદ સ્વામીએ શ્રીજીમહારાજની આ કરુણા-મમતાનો ઉલ્લેખ પોતાના એક પદમાં આ રીતે કર્યો છે :

“ભરી સભામાં ભૂધરજી તમે થયા છો માડી મારી રે.”30

બ્રહ્માનંદ સ્વામીના ત્યાગની કસોટી હજુ જાણે બાકી હોય તેમ વડોદરાના ગાયકવાડ સરકાર31 દ્વારા તેઓને કહેણ આવ્યું કે, “મહાકવિશ્રી લાડુદાનજી જો અમારા રાજ્યના રાજકવિ થાય તો પચીસ ગામનું પરગણું, મોટી હવેલી, બાગ, હાથી, પાલખી, રથ વગેરે આપું.” પણ કંચન-કામિનીના ત્યાગી એવા બ્રહ્માનંદ સ્વામી જેમ કામિનીમાં ન લલચાયા તેમ કંચનના આ મોટા પ્રલોભનમાં પણ ન ફસાયા અને લખી મોકલ્યું :

“મેં ઢાઢી મહારાજ કો, હાજર હુકમ હજુર,
ગાયો જશ ગોવિંદ કો, પાયો ધન ભરપૂર.”32

આમ કહીને રાજકવિનું પદ પણ પાછું ઠેલ્યું. ત્યારપછી તેઓ શ્રીજીમહારાજની સાથે ગામોગામ વિચરવા લાગ્યા. અને તેઓની આજ્ઞા મુજબ કાવ્ય રચીને સૌને સદુપદેશ આપવા લાગ્યા.33, 34

અહીં સુધી આપણે બ્રહ્માનંદ સ્વામીના જન્મથી લઈ તેઓએ સાધુ દીક્ષા પ્રાપ્ત કરી ત્યાં સુધીના તેઓના જીવનને જાણ્યું. આવતા અંકમાં તેઓના વિદ્વત્તા, કવિત્વશક્તિ, સંગીતકળા વગેરે અનેક પ્રતિભાઓથી યુક્ત પ્રભાવશાળી વ્યક્તિત્વની વિસ્તૃત છણાવટ કરવામાં આવશે.

To Be Continued...

Works Cited

Adarshjivandas, Sadhu. “Brahmananda Swaminu Vyaktitva.” Swaminarayana Prakasha, no. February, 1999, p. 32.

Vaghela, G. Bhagavana Swaminarayananu Samakalina Lokajivana. 4th ed., Swaminarayana Aksharpith, 2011.

Brahmadarshanadas, Sadhu. Vacanamrita Rahasya. 6th ed., vol. 1, Swaminarayan Aksharpith, 2011.

Dave, Harshadaraya Tribhovandas. Bhagavana Shri Swaminarayana. 6th ed., Swaminarayana Aksharpith, 2012.

Dave, Ishvarlal R. Brahmananda Padavali. 1st ed., Bochasanwasi Shri Akshar Purushottam Sanstha, 1979.

Jani, Dr. Balwant. Re Sagapana Harivaranu Sācuṃ. 1st ed., Ashok Dhanajibhai Shah, Navbharat Sahitya Mandir, 2002.

Gnanananddas, Sadhu. Vacanamritani Visheshatao Pramanabhutata Ane Sahityika Drishtikonathi. 1st ed., Swaminarayan Aksharpith, 2019.

Narayansewadas, Shastri. Brahmananda Souvenir. 1st ed., Shri Swaminarayan Vidyarthibhavan (Gurukul).

———. Brahmananda Kavya. 5th ed., vol. 1, Shri Swaminarayan Vidyarthibhavan (Gurukul), 2005.

Ratnum, Mavadanjibhai Bhimjibhai, editor. Shri Brahmananda Kavya. 3rd ed., Shri Chandulal Prabhashankar Dave tatha Shri Vallabhdas Oghadlal, 2012.

Ratnum, Shri Navinadanji Mavadanji Bhimjibhai. Sadguru Brahmananda Swami Jivandarshana. 1st ed., Rajkavi Shri Mavadanji Charitable Trust, 1992.

Shrutiprakashdas, Sadhu. Aksharapurusottama Mahatmyam. 1st ed., Swaminarayan Aksharpith, 2012.

You might also like
No results found.
  1. (Gnanananddas 27)
  2. અટક; શાખ;
  3. (M. B. Ratnum 3)
  4. (I. R. Dave 5)
  5. ખાણ ગામમાં રહેનાર તેઓની સાથે થયેલા પ્રત્યક્ષ વાર્તાલાપમાં તેઓએ આ વિધાન કરેલ છે.
  6. (Jani 6)
  7. (B. G. Vaghela 102)
  8. (Narayansewadas, Brahmānaṃda soveniyara 15)
  9. કવિતા બનાવવાની રીતિ સમજાવનાર અને તેના તાલ માપને શીખવતું એક શાસ્ત્ર. પિંગળ નામના ઋષિએ તેની રચના કરી હોવાથી તે પિંગળ કહેવાય છે.
  10. ચારણી કવિતાનું છંદશાસ્ત્ર.
  11. અવકાશી ગ્રહો, ઉપગ્રહો, નક્ષત્રો આદિનાં પરિભ્રમણ, તેમના પારસ્પરિક સાપેક્ષ સંબંધો તથા સ્થિતિઓના અભ્યાસવિષયક તેમ જ ગ્રહોની ભૌતિક જગત કે મનુષ્યો પરની શુભાશુભ અસર કે પ્રભાવ જાણવાનું શાસ્ત્ર; ‘એસ્ટ્રૉલૉજી’
  12. શરીરનાં ચિહ્ન અને રેખાઓ ઉપરથી ભવિષ્ય જાણવાનું શાસ્ત્ર.
  13. ઘોડાની પરીક્ષાને લગતો ગ્રંથ. શાલિહોત્ર એ અશ્વવિદ્યાના આચાર્યનું નામ છે, તે ઉપરથી અશ્વવિદ્યાને અને અશ્વવિદ્યાના ગ્રંથને પણ શાલિહોત્ર કહે છે.
  14. “તાજીમ” પદથી બક્ષેલ સરદાર જયારે રાજસભામાં આવે ત્યારે રાજા ઊભા થાય અને જાય ત્યારે પણ ઊભા થઈ તેને વિદાયમાન આપે. આવી રીતે બેવડી તાજીમ સ્વીકારતાં તે “દોવળા તાજીમ સરદાર” કહેવાય. તેવા જ પુરુષ પગમાં સોનું પહેરી શકે અને અન્ય રાજ સ્થાનોમાં જાય ત્યારે તે રાજા પણ દોવળી તાજીમ લે એવી રાજનીતિ છે.
  15. (S. N. M. B. Ratnum 63)
  16. પાણી ઉપર હાથ ફેરવી વાજિંત્ર વગાડવાની કળા.
  17. (S. N. M. B. Ratnum 66)
  18. (Adarshjivandas 6)
  19. (Shrutiprakashdas, vol.2/51/9)
  20. (64)
  21. (M. B. Ratnum 64)
  22. (H. T. Dave, vol.2/132-140)
  23. (S. N. M. B. Ratnum 134)
  24. (S. N. M. B. Ratnum 139)
  25. (Brahmadarshanadas 72)
  26. (Narayansewadas, Brahmānanda Kāvya 25)
  27. (M. B. Ratnum 1)
  28. (M. B. Ratnum 10)
  29. 4 પદોનો સમૂહ
  30. (M. B. Ratnum 88)
  31. ગાયકવાડ એટલે ૧૮મી સદીમાં થઈ ગયેલ વડોદરાના રાજાઓની અટક. આ સમયમાં શ્રીમંત ગાયકવાડ સરકારશ્રી સયાજીરાવ મહારાજ ગાદી ઉપર હતા.
  32. (M. B. Ratnum 42)
  33. (Narayansewadas, Brahmānanda soveniyara 65)
  34. (S. N. M. B. Ratnum 158)