ગુરુહરિ મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી સારંગપુરમાં BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય કાર્યરત છે, જે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. આ મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીઓ સંસ્કૃત માધ્યમ દ્વારા અક્ષરપુરુષોત્તમ દર્શનની સાથે ન્યાય, વ્યાકરણ, સાહિત્ય વગેરે વિષયોમાં ઊંડાણ પ્રાપ્ત કરી સ્વામિનારાણ વેદાંત વિષયમાં B.A. અને M.A.ની ડીગ્રી પ્રાપ્ત કરે છે. આ અધ્યયનમાં વિદ્યાર્થીઓની ધગશ, તેઓને મળતું સુંદર વાતાવરણ અને યોગ્ય માર્ગદર્શન તેમજ ગુરુહરિના આશીર્વાદરૂપી ત્રિવેણી સંગમથી પ્રત્યેક વર્ષે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં ઉચ્ચ ક્રમાંકો સાથે ઉત્તીર્ણ થાય છે.
ગત વર્ષે (વર્ષ 2023-24 દરમિયાન) જે જે વિદ્યાર્થીઓએ શાસ્ત્રી તથા આચાર્ય કક્ષાનો અભ્યાસ પૂર્ણ કર્યો તેઓનો પદવીદાન સમારોહ તારીખ 29/01/2025, બુધવારના રોજ શ્રી સોમનાથ યુનિવર્સિટી ખાતે શિક્ષણ ક્ષેત્રના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ માનનીય આચાર્ય શ્રી દેવવ્રતજી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. સુકાંતકુમાર સેનાપતિ તેમજ કુલસચિવશ્રી ડૉ. લલિતકુમાર પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારોહમાં યુનિવર્સિટીમાં ઉચ્ચ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા હતા. આ ક્રમમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથે સંલગ્ન તમામ વિદ્યાશાખાઓમાં શાસ્ત્રી કક્ષામાં તમામ વિષયમાં પ્રથમ અને દ્વિતીય ક્રમાંક સારંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યો હતો; જેમાં શાસ્ત્રી કક્ષામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ધ્રુવિનભાઈ નાવડિયા સુવર્ણચંદ્રક વિજેતા બન્યા હતા તથા સત્યમભાઈ પટેલ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી રજતચંદ્રક વિજેતા બન્યા હતા. આમ, આ યુવકોએ સમગ્ર યુનિવર્સિટીમાં સર્વોચ્ચ સ્થાન મેળવી ગુરુહરિની વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત કરી છે, તેમજ સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. આ માટે બંને યુવકોને અભિનંદન.
આ સાથે, BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયમાં પ્રાધ્યાપક અને સંચાલક તરીકે સેવા આપતા આચાર્ય જ્ઞાનતૃપ્તદાસ સ્વામીને આ સમારોહમાં વિદ્યાવારિધિ(Ph.D) ની ઉપાધિ પ્રાપ્ત થઈ. તેઓએ ‘अद्वैतविशिष्टाऽद्वैताऽक्षरपुरुषोत्तमदर्शनत्रयाऽऽलोके ब्रह्मसूत्रभाष्यसमीक्षणम्’ આ વિષય પર શોધમહાનિબંધ લખીને ગુરુહરિને પ્રસન્ન કર્યા છે, તે બદલ તેઓને પણ અભિનંદન.