BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના દશાબ્દીનો ઉદ્ઘોષ

BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય, સારંગપુરની સ્થાપના સન્ 2013માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના વરદ હસ્તે થઈ હતી. આ વર્ષે એના 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ દશાબ્દી વર્ષ નિમિત્તે તારીખ 25 માર્ચ 2023ના રોજ સારંગપુરમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના પ્રત્યક્ષ સાંનિધ્યમાં દશાબ્દી મહોત્સવના ઉદ્ધોષનું આયોજન થયું હતું. આ અંતર્ગત સ્વામીશ્રીના પ્રાતઃ પૂજા દર્શનમાં વિદ્યાર્થીઓએ સ્વરચિત સંસ્કૃત તથા ગુજરાતી કીર્તન તથા મહાવિદ્યાલયના ધ્યેયગીતનું ગાન કર્યું હતું. આ ઉપરાંત પ્રસ્થાનત્રયીમાં આવતા બ્રહ્મ પરબ્રહ્મના મહિમાવાચક મંત્રો તથા શ્લોકોના મુખપાઠની પણ રજૂઆત થઈ હતી. ત્યારબાદ સાયં સભામાં પૂજ્ય વિવેકસાગર સ્વામી તથા પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીએ પોતાના વક્તવ્ય દ્વારા મહાવિદ્યાલયની વિશેષતાઓ દર્શાવી. મહાવિદ્યાલયના પ્રાધ્યાપકો દ્વારા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની સમક્ષ મહાવિદ્યાલયના દશ વર્ષનો સંક્ષિપ્ત અહેવાલ અપાયો. આ મહાવિદ્યાલય શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ સાથે સંલગ્ન છે તેમાં વર્ષ 2022માં શાસ્ત્રી તથા આચાર્ય કક્ષાની જે પરીક્ષા લેવાઈ હતી, તેમાં સમગ્ર વિષયોમાં સુવર્ણચંદ્રક અને રજતચંદ્રક BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યા હતા, તે વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું. આ સભામાં વિદ્યાર્થીઓએ સંવાદ તથા નૃત્ય જેવા ભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. આ સાથે સ્વામીશ્રી સમક્ષ પ્રાર્થના તથા પ્રશ્નોત્તરી દ્વારા અભ્યાસ અને આધ્યાત્મિતાનું પુષ્ટિદાયક માર્ગદર્શન પ્રાપ્ત થયું. અંતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય દશાબ્દી મહોત્સવના જયનાદનો ઉદ્ધોષ કરાવ્યો. આમ, ભવ્યતા અને દિવ્યતા સાથે BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના દશાબ્દી મહોત્સવના ઉદ્ઘોષનો કાર્યક્રમ સંપન્ન થયો.

Gallery

Menu