૨૦ માર્ચ ૨૦૨૩, સોમવારના રોજ ઝારખંડના રાજ્યપાલશ્રી સી.પી. રાધાક્રિષ્નન સારંગપુર સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયની મુલાકાત લેવા માટે પધાર્યા હતા. તેઓએ વ્યવસ્થાપનકક્ષ, સંગણકકક્ષ અને ગ્રંથાલયની મુલાકાત લીધી. ગ્રંથાલયની મુલાકાત વખતે મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામી વિરચિત અક્ષરપુરુષોત્તમદર્શન સ્વામિનારાયણ ભાષ્યો જોઇને અતિશય પ્રભાવિત થયા. મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ભણાવામાં આવતો અભ્યાસક્રમ દર્શાવામાં આવ્યો. વર્ગખંડમાં પ્રાચીન ગુરુકુળ પરંપરા પ્રમાણે નીચે બેસીને અભ્યાસ કરવાની પ્રણાલિકા જોઇને પ્રભાવિત થયા અને પોતે સ્વેચ્છાએ નીચે બેસીને બધા વિદ્યાર્થીઓને નીચે બેસીને અભ્યાસ કરવાનો આદર્શ પુરો પાડ્યો. રાજ્યપાલશ્રી ડિઝિટલ સ્ટુડિયો જોવા પધાર્યા. અહીં તેઓ આધુનિકતા અને પ્રાચીનતાના સુભગ સમન્વય દ્વારા સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરાવવામાં આવે છે તે જોઇને અતિશય પ્રભાવિત થયા. અંતમાં મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓને બોધપાઠ આપતા લખ્યું કે; “આપણું જીવન જન્મ અને મૃત્યુ વચ્ચેની ટૂંકી યાત્રા છે, આપણું જીવન બીજાને ત્યારે ઉપયોગી બને જ્યારે આપણે તેને મદદરૂપ થઇએ છીએ.”





